એલ.ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદના ઇતિહાસ વિભાગના ઉપક્રમે આજે સોમવારના રોજ સાબરમતી (ગાંધી) આશ્રમની પ્રેરણાદાયી ઐતિહાસિક સ્થળ મુલાકાતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિશેષ અભિયાનમાં ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓ અને અધ્યાપકગણે ઉત્સાહપૂર્વક સહભાગી બની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવનચરિત્ર, કાર્યો અને તેમના આદર્શોથી વિશેષ અવગત થયા હતા. આ શૈક્ષણિક પ્રવાસમાં કોલેજના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. વંદના મૌર્ય તેમજ પ્રો. ડૉ. બી. જે. દેસાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી.

મુલાકાત દરમિયાન ગાંધી આશ્રમ ખાતે પધારવા પર આશ્રમના ડાયરેક્ટર શ્રી પંડ્યા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવન-મૂલ્યો, સત્ય, અહિંસા અને ગ્રામોદયની વિચારધારા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ આશ્રમ પરિસરમાં આવેલી વિભિન્ન ગેલેરીઓ જેવી કે ગાંધીજીની ચિત્ર દીર્ઘા (Picture Gallery), અમદાવાદમાં ગાંધીજીનું પ્રદાન (Gandhiji in Ahmedabad), અને ‘મારું જીવન એ જ મારો સંદેશ’ (My life my mission) ગેલેરીનું નિરીક્ષણ કર્યું હતું, જ્યાં ગાંધીજીના જીવનની ઐતિહાસિક ઘટનાઓ સચિત્ર અને તારીખવાર ક્રમબદ્ધ રીતે પ્રદર્શિત કરવામાં આવી છે.

આગળ વધતા વિદ્યાર્થીઓએ પૂજ્ય બાપુના નિવાસસ્થાન ‘હૃદયકુંજ’ની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે મકાનની સ્થાપત્ય શૈલી અને આ ભૌગોલિક સ્થાન પસંદ કરવા પાછળના ઇતિહાસ વિશે જાણ્યું હતું. આ વિશેષ અવસર પર વિદ્યાર્થીઓએ રેટિયો (ચરખો) ચલાવવાની કળા પણ શીખી હતી અને પ્રત્યક્ષ અનુભવ કર્યો હતો કે કેવી રીતે રેટિયો કાંતવાથી માનવીમાં ‘ધીરજ’ અને ‘સાદગી’ જેવા ઉમદા ગુણો વિકસે છે.

આજના આધુનિક સોશિયલ મીડિયા અને વૉટ્સએપ યુગમાં ગાંધીજી વિશે ફેલાતી અસત્ય અફવાઓથી બચીને, અસલી ઐતિહાસિક દસ્તાવેજો અને મૂળ સ્રોતો (Original Sources) આધારે સાચી માહિતી મેળવવી અનિવાર્ય છે તેમ જણાવી વિદ્યાર્થીઓને આવા મૌલિક ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ સત્ય જાણવા માટે વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક મુલાકાત દરમિયાન ઇતિહાસ વિભાગના વડા ડૉ. વંદના મૌર્યએ મહાત્મા ગાંધીજી ઉપરાંત ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગ્રેસર રહેનાર પરંતુ ઇતિહાસના પાનાઓમાં ઓછા જાણીતા રહેલા અન્ય વીર સ્વતંત્રતા સેનાનીઓના બલિદાન વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. વળી, ડૉ. બી. જે. દેસાઈએ પોતાના ભૂતકાળના અનુભવો વાગોળતા ગાંધી આશ્રમની અગાઉની મુલાકાતોની યાદો તાજી કરી હતી. એલ.ડી. આર્ટ્સ કોલેજના ઇતિહાસ વિભાગ દ્વારા યોજાયેલા આ સમગ્ર શૈક્ષણિક પ્રવાસથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય વારસાથી સમૃદ્ધ થયા હતા અને ગાંધીજીના વિચારોને પોતાના જીવનમાં ઉતારવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.